દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સન્માન, તેમના અધિકારો અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને સમર્પિત છે. મહિલા દિવસ પર ભેટ-સોગાદો અને કાર્યક્રમો તો ઘણા યોજાય છે.. પરંતુ આજની સૌથી મોટી જરૂરિયાત છે ‘મહિલા સુરક્ષા’.
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી, પણ મુસીબતના સમયે તમારું સૌથી મોટું હથિયાર પણ બની શકે છે.ભારત સરકાર અને વિવિધ રાજ્યોના પોલીસ વિભાગ દ્વારા ખાસ મહિલાઓ માટે કેટલીક એવી એપ્સ બનાવવામાં આવી છે..જે સંકટ સમયે ઢાલ બનીને ઉભી રહે છે. જાણો એવી 3 એપ્સ વિશે જે દરેક મહિલાના ફોનમાં હોવી જ જોઈએ.
1. 112 India App: દેશભરમાં એક જ ક્લિક પર મદદ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ ભારતભરમાં કાર્યરત છે. તે ‘વન નેશન-વન ઈમરજન્સી નંબર’ના વિઝન પર કામ કરે છે.
-
ખાસિયત: આ એપમાં એક SOS બટન આપવામાં આવ્યું છે. જેવું તમે આ બટન દબાવો છો..તમારી લોકેશન સીધી જ નજીકના કંટ્રોલ રૂમ અને તમારા નક્કી કરેલા સંપર્કો (Emergency Contacts) સુધી પહોંચી જાય છે.
-
સ્માર્ટ ફીચર: જો તમારી પાસે એપ ખોલવાનો સમય નથી.. તો મોબાઈલના પાવર બટનને સતત 3 વાર દબાવવાથી પણ ઈમરજન્સી એલર્ટ એક્ટિવેટ થઈ જાય છે.
2. e-Rakshak App: હાઈટેક ટ્રેકિંગ સિસ્ટમ
મધ્ય પ્રદેશ સરકાર અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ એપ હવે અન્ય રાજ્યો માટે પણ મોડેલ બની રહી છે. તે જીપીએસ (GPS) ટેકનોલોજી પર આધારિત છે.
-
ખાસિયત: આ એપ સીધી જ નજીકના પોલીસ સ્ટેશન સાથે કનેક્ટ થાય છે. મુસીબતના સમયે યુઝરની લાઈવ લોકેશન ટ્રેક કરી શકાય છે..જેથી પોલીસ સચોટ જગ્યાએ જલ્દી પહોંચી શકે.
-
વધારાની સુવિધા: એપમાં સેલ્ફ-ડિફેન્સ (આત્મરક્ષણ) માટેના વીડિયો ટ્યુટોરિયલ અને સુરક્ષા સંબંધિત મહત્વની સલાહ પણ આપવામાં આવી છે.
3. Himmat Plus App: દિલ્હી પોલીસની ખાસ ભેટ
દિલ્હી પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ‘હિમ્મત પ્લસ’ એપ મહિલાઓની સુરક્ષા માટે અત્યંત વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. ખાસ કરીને એકલવાઈ મુસાફરી કરતી મહિલાઓ માટે આ વરદાનરૂપ છે.
-
ખાસિયત: SOS બટન દબાવતાની સાથે જ તમારી આસપાસનો ઓડિયો અને વીડિયો ઓટોમેટિક રેકોર્ડ થઈને સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જાય છે.
-
ફાયદો: આનાથી પોલીસને ખબર પડે છે કે તમારી આસપાસ કેવા પ્રકારનું જોખમ છે અને તે મુજબ તાત્કાલિક એક્શન લેવામાં આવે છે.
મહિલાઓ માટે ખાસ ટિપ્સ:
-
એપ ઇન્સ્ટોલ કરો: આજે જ આ એપ્સ ડાઉનલોડ કરો અને તેમાં જરૂરી પરમિશન સેટ કરો.
-
ઇમરજન્સી કોન્ટેક્ટ્સ: તમારા પરિવારના ઓછામાં ઓછા 2-3 વિશ્વસનીય સભ્યોના નંબર એપમાં સેવ કરો.
-
લોકેશન ઓન રાખો: અજાણ્યા વિસ્તારમાં મુસાફરી કરતી વખતે ફોનનું જીપીએસ હંમેશા ઓન રાખવું હિતાવહ છે.
ટેકનોલોજીનો સાચો ઉપયોગ એ જ છે જે આપણને સુરક્ષિત રાખે. આ મહિલા દિવસે તમારી આસપાસની દરેક માતા, બહેન અને મિત્રને આ એપ્સ વિશે જણાવીને તેમને સુરક્ષાની ભેટ આપો
Post Views: 141











