ભારતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને વાહનચાલકોમાં શિસ્ત લાવવા માટે કેન્દ્ર સરકાર એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે,, દેશમાં ટૂંક સમયમાં ‘ગ્રેડ આધારિત ડ્રાઈવિંગ લાઈસન્સ’ પ્રણાલી અમલમાં આવશે.
શું છે આ ‘ગ્રેડેડ અંક પ્રણાલી’?
આ નવી વ્યવસ્થામાં દરેક ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે નિશ્ચિત પોઈન્ટ્સ જોડાયેલા હશે.તેની કાર્યપદ્ધતિ નીચે મુજબ રહેશે:
પોઈન્ટ્સમાં ઘટાડો: જ્યારે પણ કોઈ ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે.. ત્યારે તેના લાઈસન્સમાંથી નિર્ધારિત પોઈન્ટ્સ કાપી લેવામાં આવશે.
સસ્પેન્શન: જો વારંવાર ભૂલોને કારણે લાઈસન્સના પોઈન્ટ્સ ‘શૂન્ય’ થઈ જશે..તો લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
કાયમી રદ: ગંભીર ગુના કે વારંવાર નિયમો તોડવાની સ્થિતિમાં લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવાની પણ જોગવાઈ છે.
અકસ્માતના આંકડા ચોંકાવનારા
નીતિન ગડકરીએ દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કેટલાક મહત્વના આંકડા રજૂ કર્યા:
ભારતમાં દર વર્ષે આશરે 5 લાખ માર્ગ અકસ્માતો થાય છે.
આ અકસ્માતોમાં વાર્ષિક 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે.
મૃત્યુ પામનાર લોકોમાં 72% લોકો 18 થી 45 વર્ષની વયના યુવાનો છે.
માત્ર ઓવર સ્પીડિંગને કારણે વર્ષે 1.2 લાખ લોકોના મોત થાય છે.
અકસ્માતના મુખ્ય કારણો: ઓવર સ્પીડિંગ, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવો, નશામાં વાહન ચલાવવું અને ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ.
અકસ્માત પીડિતો માટે ₹1.5 લાખની ‘કેશલેસ’ સારવાર
સરકારે અકસ્માત પીડિતોનો જીવ બચાવવા માટે PM રાહત યોજના હેઠળ એક મહત્વનો નિર્ણય લીધો છે:
તાત્કાલિક સહાય: અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી ₹1.5 લાખ સુધીની મફત (Cashless) સારવાર આપવામાં આવશે.
ગોલ્ડન અવર: સરકારનો હેતુ છે કે અકસ્માત પછીના પ્રથમ કલાક (Golden Hour) માં પીડિતને સારવાર મળે, જેથી મૃત્યુદર ઘટાડી શકાય.
નાગરિકોને અપીલ: મંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અકસ્માત પીડિતોની મદદ કરવામાં અચકાય નહીં, હોસ્પિટલના ખર્ચ કે કાનૂની પ્રક્રિયાની જવાબદારી સરકાર ઉઠાવશે.
નવી ગ્રેડિંગ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવા કરતાં લોકોના જીવનની રક્ષા કરવાનો અને રસ્તાઓ પર કાયદાનું ચુસ્ત પાલન કરાવવાનો છે.
Post Views: 0











