બુધવારે તુર્કી સંસદમાં ઉગ્ર હોબાળો મચી ગયો. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તેમના મંત્રીમંડળમાં કેટલાક ફેરફારો કર્યા હતાં.જેમાં નવા ન્યાય મંત્રીની નિમણૂકનો પણ સમાવેશ થાય છે. આનાથી શાસક અને વિપક્ષી સાંસદો વચ્ચે ભારે ઝપાઝપી થઈ.
સરકારે અકિન ગુર્લેકને નવા ન્યાય મંત્રી તરીકે નિયુક્ત કર્યા. અકિન પદના શપથ લઈ રહ્યા હતા, જેનો વિરોધ પક્ષના સાંસદોએ વિરોધ કર્યો. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ, શાસક અને વિપક્ષી સાંસદો એકબીજાને ધક્કો મારીને મારપીટ કરવા લાગ્યા. તેમણે લાતો અને મુક્કાબાજી પણ કરી.
અહેવાલો અનુસાર, જ્યારે ગુર્લેક શપથ લેવા માટે સંસદમાં પહોંચ્યા, ત્યારે વિપક્ષી સાંસદોએ તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. હોબાળા વચ્ચે, શાસક પક્ષના સાંસદોએ ગુર્લેકને ઘેરી લીધા અને કોઈક રીતે તેમના શપથ પૂર્ણ કરવામાં સફળ રહ્યા.
સરકારે આ મંત્રીમંડળમાં ફેરફાર માટે કોઈ કારણ આપ્યું નથી. જોકે, એવું જાણવા મળ્યું છે કે મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામું આપવાની વિનંતી કરી હતી. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે સરકાર અને વિપક્ષ વચ્ચે પહેલાથી જ ભારે તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ વિપક્ષી પક્ષ (CHP) દ્વારા સંચાલિત નગરપાલિકાઓના સેંકડો અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
અકિન ગુર્લેક કોણ છે?
અકિન ગુર્લેક ઇસ્તંબુલના મુખ્ય ફરિયાદી હતા. તેમણે મુખ્ય વિપક્ષી પક્ષ, રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP) ના ઘણા અગ્રણી નેતાઓ સામે કેસ ચલાવ્યા હતા, જેના કારણે વિપક્ષ તેમની ટીકા કરે છે. વિપક્ષનો આરોપ છે કે ગુર્લેકના નિર્ણયો રાજકીય રીતે પ્રેરિત હતા.
Post Views: 95











