ગુજરાતમાં ખેડૂતોની જમીન માલિકી મુદ્દે મોટો નિર્ણય..શ્રી સરકારમાં ચડી ગયેલી જમીન મૂળ માલિકના નામે કરવાના પીએમ કાર્યાલયના હુકમ….

ગુજરાતમાં ખેડૂતોની જમીન માલિકી બાબતે કરાયેલી રજૂઆતનો અસરકારક પડઘો પડ્યો છે. શ્રી સરકારમાં ચડી ગયેલી જમીન મૂળ જમીન માલિકના નામે પરત કરી આપવા વડાપ્રધાન કાર્યાલય દ્વારા હુકમ કરવામાં આવ્યો છે…..આ હુકમ અમલમાં મૂકવાની સત્તા તમામ મામલતદારોને સોંપવામાં આવી હોવાનું ભારતીય કામદાર સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં અનેક ખેડૂતોની જમીન વિવિધ કારણોસર શ્રી સરકારમાં જમા થઈ ગઈ હતી.માલિકીની જમીન વિઘોટી ન ભરાઈ હોવી, ખેડૂત બહારના રાજ્યમાં સ્થળાંતર કરેલું હોવું અથવા દસ્તાવેજી ખામીઓના કારણે વડીલોપાર્જિત જમીન શ્રી સરકારમાં દાખલ થઈ ગઈ હતી. આવી હજારો ખેડૂતોની જમીન વર્ષોથી મહેસૂલ વિભાગમાં અટવાયેલી હતી.

હાલ સુધી આવી જમીન બાબતે મહેસૂલ જમીન અધિનિયમની કલમ 37/2 હેઠળ જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવતી હતી. અને ખેડૂતોએ રિવિઝન અરજી કરી એક વર્ષ કે તેથી વધુ સમય રાહ જોવી પડતી હતી.પરિણામે લાખો એકર જમીન ખેડૂતોને ન્યાય મળ્યા વગર અટવાઈ હતી.

આ ગંભીર મુદ્દે ભારતીય કામદાર સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ જનાર્દન વી.ઉપાધ્યાય અને મહામંત્રી ઋષિ ઉપાધ્યાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાનમાં લઈ વડાપ્રધાન કાર્યાલય દ્વારા તા. 15/01/2020ના પત્રના સંદર્ભે કચ્છ જિલ્લા કલેક્ટરે તા. 12/03/2020ના હુકમથી તમામ મામલતદારોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

હુકમ અનુસાર પુરાવા આધારે કલમ 37/2 હેઠળ સીધી કાર્યવાહી કરી જમીન ખેડૂતોના નામે દાખલ કરવા જણાવવામાં આવ્યું છે આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને લાંબા સમય બાદ ન્યાય મળવાની આશા જાગી છે.

Leave a Comment

READ MORE

READ MORE