અમદાવાદમાં ફરી મેઘતાંડવ: બે દિવસ પહેલાંના વરસાદ બાદ નવા વિસ્તારો ફરી જળબંબાકાર

થલતેજમાં 2 ઇંચ વરસાદથી રસ્તાઓ નદીઓમાં ફેરવાયા; 30 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ

અમદાવાદ: બે દિવસ પહેલાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદથી ઉભી થયેલી સ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય બની નથી ત્યાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી છે. ખાસ કરીને થલતેજ, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

શહેરમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ નોંધાયો હોવા છતાં થલતેજ અને સાયન્સ સિટી વિસ્તારમાં 2 ઇંચ સુધી વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એસ.જી. હાઈવેના થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. ચાણક્યપુરી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતાં લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. ઉપરાંત ચાંદલોડિયા રોડ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ આસપાસ ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જ્યારે સ્ટર્લિંગ સિટીમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓએ ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવી પડી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું રહ્યું છે. આજે વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં નવી વેલમાર્ક્ડ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેના પ્રભાવથી 30 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE