ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. જળસંપત્તિ વિભાગના તા. 27 જુલાઈ સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. હાલમાં 13 ડેમ સંપૂર્ણ (100 ટકા) ભરાઈ ગયા છે, જ્યારે 21 જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 69.25 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને હાલ 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
નર્મદા ડેમ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,53,336 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 45.41 ટકા જેટલો છે. રાજ્યમાં 26 જળાશયો 90થી 100 ટકા, 28 જળાશયો 50થી 70 ટકા, 55 જળાશયો 25થી 50 ટકા અને 84 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે. ઉપરાંત 5 જળાશયો એલર્ટ અને 13 જળાશયો વોર્નિંગ હેઠળ છે.
દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાં 11,689 ક્યુસેક પાણી આવી રહ્યું છે. સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલિયા અને જુજ સહિત કુલ 9 જળાશયોમાં 1,200થી 27 હજાર ક્યુસેક સુધી પાણીની આવક નોંધાઈ રહી છે.
વિસ્તારવાર જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ અને કચ્છના 20 જળાશયોમાં 25 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.










