ગુજરાત પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં કડક કાર્યવાહી, 74 હજારથી વધુ કેસમાં ₹5.33 કરોડનો દંડ

ગુજરાતમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ઓગસ્ટ 2026 દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી કરીને 74,242 કેસ નોંધાયા અને કુલ ₹5,33,78,900નો દંડ વસૂલાયો છે.

રોંગ સાઈડના 36 હજારથી વધુ કેસ

1થી 31 ઓગસ્ટ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગના 36,159 કેસ નોંધાયા હતા, જેમાં ₹3.64 કરોડથી વધુનો દંડ વસૂલાયો. ઓવર સ્પીડિંગના 38,083 કેસ સામે કાર્યવાહી કરીને ₹1.69 કરોડથી વધુ દંડ વસૂલવામાં આવ્યો.

હાઇવે પર ગેરકાયદે પાર્કિંગ પણ નિશાન પર

નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિંગના 10,408 કેસ, જ્યારે સ્ટેટ હાઇવે અને અન્ય મુખ્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા છે. ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનારા વાહનો સામે 5,078 કેસ નોંધાયા અને 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી.

નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓ સામે પણ કાર્યવાહી

હવે 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટને લઈને વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. નંબર પ્લેટ વગરના વાહનો, પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે અન્ય પ્રકારના ફેરફાર સામે કાર્યવાહી થશે.

પોલીસે વાહનચાલકોને સ્પીડ લિમિટનું પાલન કરવા, પોતાની લેનમાં વાહન ચલાવવા, રોંગ સાઈડથી દૂર રહેવા અને હાઇવે પર બેદરકારીપૂર્વક પાર્કિંગ ન કરવા અપીલ કરી છે. સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટથી વાહનની ઓળખ સરળ બનશે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનના દુરુપયોગને રોકવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE