ભાદરા–જોડિયા–જાંબુડા માર્ગનું નવિનીકરણ ગોકળગાયની ગતિએ નાના વાહનચાલકોની હાલાકી, એક વર્ષમાં અકસ્માતમાં બેના મોતનો આક્ષેપ

જોડિયા | ભાદરા પાટિયાથી જોડિયા થઈ જાંબુડા સુધીના આશરે 25થી 30 કિલોમીટર લાંબા માર્ગના નવિનીકરણ અને પહોળાઈ વધારવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. માર્ગની કામગીરીના કારણે નાના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોડિયા તાલુકાના આણંદા ગામના અને ઘોલ માર્કેટ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી દ્વારા માર્ગની કામગીરીમાં થઈ રહેલા વિલંબ અંગે ધારાસભ્ય રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના અનુસંધાને ધારાસભ્ય રાઘવજી પટેલે જામનગર માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને ભલામણ પત્ર પાઠવી માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

ભાદરા પાટિયાથી જાંબુડા સુધીના હયાત માર્ગના નવિનીકરણ અને પહોળાઈ વધારવાનું કામ મંજૂર થયેલું છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અત્યંત ધીમી ગતિએ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે માર્ગ પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની અને છેલ્લા એક વર્ષમાં અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા છે.

નાળા-પુલિયાની કામગીરીથી એસ.ટી. વ્યવહારને અસર

માર્ગ પર નાળા અને પુલિયાની કામગીરી ચાલી રહી હોવાથી અનેક ગામો સાથેનો એસ.ટી. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોની માંગ છે કે માર્ગની કામગીરીમાં ઝડપ લાવવામાં આવે અને જોખમી સ્થળોએ તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને વાહનચાલકોને રાહત મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE