ગુરુપૂર્ણિમાએ લુસડિયાધામે CM ભૂપેન્દ્ર પટેલ: સંત સુરમલદાસજીના દર્શન કરી આશીર્વાદ લીધા

પ્રોટોકોલ છોડીને રસ્તામાં ગ્રામજનો અને બાળકીઓ વચ્ચે પહોંચ્યા; આદિજાતિ સમાજ સાથે ભક્તિભાવથી ઉજવ્યો પવિત્ર પર્વ

અરવલ્લી: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુસડિયાધામ પહોંચ્યા હતા. તેમણે આદિજાતિ સમાજના આરાધ્ય સંત સુરમલદાસજીની સમાધિ, ધૂણો અને રામદેવપીરની પ્રતિમાના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. લુસડિયાધામના સંતોએ તેમને સંત સુરમલદાસજીની તસવીર અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. ધામ ખાતે ઉપસ્થિત સંતો, ભક્તો અને આદિજાતિ પરિવારો સાથે મુખ્યમંત્રીએ ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણીમાં સહભાગી બની સૌને શુભેચ્છા પાઠવી હતી.

શામળાજી તરફ જતાં માર્ગમાં લુસડિયા ગામ પાસે રસ્તા કિનારે ઊભેલા ગ્રામજનો અને શાળાના બાળકોને જોઈ મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો. ગાડીમાંથી ઉતરી તેમણે બાળકો સાથે આત્મીય વાતચીત કરી અને ગૌરીવ્રત કરી રહેલી કળશધારી બાળકીઓનું અભિવાદન સ્વીકાર્યું હતું. મુખ્યમંત્રીનો આ સરળ અને સહજ અંદાજ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજકીય-સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE