શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. છેલ્લા ચાર દિવસમાં પૂર, ભૂસ્ખલન અને અન્ય વરસાદી દુર્ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ચિનાબ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે તવી સહિતની અન્ય નદીઓ પણ બે કાંઠે વહેતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો ઉભો થયો છે. તંત્રે અસરગ્રસ્ત ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી છે.
રામબન જિલ્લામાં મુસાફરો ભરેલા ટેમ્પો પર ખડક ધસી પડતાં દંપતીનું મોત થયું હતું અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત સુંદરબનીમાં સરહદી ચોકી પર તૈનાત એક જવાન અને બાંડીપોરામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક બાળકનું પણ મોત થયું છે.
ખરાબ હવામાનને કારણે શ્રી અમરનાથ, માતા વૈષ્ણોદેવી અને શિવખોડી યાત્રા સતત પાંચમા દિવસે પણ બંધ રાખવામાં આવી છે. ઉધમપુર-રામબન વચ્ચે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે, જ્યારે અનેક સંપર્ક માર્ગો પણ ઠપ્પ થઈ ગયા છે.
વીજ પુરવઠા અને માર્ગ વ્યવસ્થા ખોરવાતા હજારો યાત્રાળુઓ તથા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે ગુરુવાર બાદ હવામાનમાં સુધારાની શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ આગામી કલાકો સુધી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.










