પાટીદાર આંદોલન દરમિયાન પરવાનગી વિના રેલી અને સભા યોજવાના કેસમાં હાર્દિક પટેલ સહિત 17 લોકોને રાહત
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેમના સમર્થકો સામે નોંધાયેલા કેસોમાં વધુ એક કેસ પરત ખેંચવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાર્દિક પટેલ સહિત 17 આરોપીઓ સામેના ગુનાને પરત ખેંચવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે.
આ કેસ પરવાનગી વિના રેલી અને જાહેર સભા યોજવાના આરોપસર નોંધાયો હતો. સરકારની મંજૂરી બાદ કોર્ટ સમક્ષ જરૂરી કાર્યવાહી પૂર્ણ થતાં કેસ સત્તાવાર રીતે પરત ખેંચવામાં આવ્યો છે.
પાટીદાર આંદોલન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાર્દિક પટેલ અને તેમના સાથીદારો સામે અનેક ગુનાઓ નોંધાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર આવા કેસોની સમીક્ષા કરીને તબક્કાવાર કેસો પરત ખેંચી રહી છે.
રામોલ કેસ પરત ખેંચાતા હાર્દિક પટેલ સામેના વધુ એક જૂના કેસનો અંત આવ્યો છે. બાકીના બાકી રહેલા કેસોને લઈને પણ આગામી સમયમાં સરકાર તરફથી વધુ નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.










