પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ 2026 દરમિયાન સતત 30 દિવસ સુધી 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે, જેથી સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના પુણ્યલાભથી વંચિત ન રહે.
દર વર્ષે શ્રાવણ માસમાં સોમનાથમાં ભારે સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. આ વર્ષે શ્રાવણ શરૂ થવાના એક મહિના પહેલાં જ ‘પાઘ પૂજા’ અને ‘છેલ્લી ધ્વજા પૂજા’ના તમામ સ્લોટ બુક થઈ ગયા છે. ઉપરાંત, મોટી સંખ્યામાં ‘સોમેશ્વર પૂજા’ માટે પણ અગાઉથી બુકિંગ થઈ ચૂક્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સામાન્ય ભક્તોને પણ પૂજાનો લાભ મળી રહે તે માટે ટ્રસ્ટે વિશેષ મહાયજ્ઞનું આયોજન કર્યું છે.
મહત્વની વાત એ છે કે શ્રદ્ધાળુઓ માત્ર ₹51ના નામમાત્રના શુલ્કમાં આ મહાયજ્ઞમાં ભાગ લઈ શકશે. નોંધણી બાદ ટ્રસ્ટ દ્વારા તમામ હવન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને દરેક ભક્ત મહામૃત્યુંજય મંત્રની 51 આહુતિ અર્પણ કરી શકશે.
ભક્તો મંદિરના સ્વાગત કેન્દ્ર, મંદિર પરિસરના નોંધણી કાઉન્ટર તેમજ ટૂંક સમયમાં ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી યજ્ઞ માટેનું બુકિંગ કરાવી શકશે.
ભક્તોની સુવિધા માટે દરરોજ કુલ 9 સ્લોટમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. સવારે 8થી 12 વાગ્યા સુધી ચાર સ્લોટ, બપોરે 1થી 5 વાગ્યા સુધી ચાર સ્લોટ અને સાંજે 5થી 6 વાગ્યા સુધી અંતિમ સ્લોટ રાખવામાં આવ્યો છે.
મંદિર પરિસરમાં દક્ષિણ દ્વાર નજીક, બાણસ્તંભ પાસે અને શો પેવેલિયન નજીક ત્રણ વિશાળ યજ્ઞશાળાઓ તૈયાર કરવામાં આવી છે, જ્યાં ભક્તો યજ્ઞકુંડમાં આહુતિ અર્પણ કરી શકશે.
ટ્રસ્ટ દ્વારા યજ્ઞમાં ભાગ લેવા માટે પરંપરાગત ધોતીનો પોશાક ફરજિયાત રાખવામાં આવ્યો છે. આ માટે વિશેષ ધોતી કાઉન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પૌરાણિક માન્યતા અનુસાર, સોમનાથ મહામૃત્યુંજય મંત્રની સિદ્ધ ભૂમિ માનવામાં આવે છે. માન્યતા છે કે ચંદ્રદેવે આ પવિત્ર સ્થાને મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટે દેશભરના શિવભક્તોને આ મહામૃત્યુંજય મહાયજ્ઞમાં જોડાઈ ભક્તિ અને પુણ્યનો લાભ લેવા અપીલ કરી છે.











