કચ્છમાં વરસાદી અછત વચ્ચે વહીવટીતંત્ર એલર્ટ: પાણી, ઘાસચારો અને વીજળી મુદ્દે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં સંકલન સહ ફરિયાદ સમિતિ મળી; કલેક્ટરે તમામ વિભાગોને તાત્કાલિક અને સંકલિત કામગીરીનો નિર્દેશ આપ્યો

ભુજ: કચ્છ જિલ્લામાં વરસાદની અછતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લાના ધારાસભ્યો તથા વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પીવાનું પાણી, ઘાસચારો, વીજ પુરવઠો, નર્મદા પાણી, માર્ગ સુવિધા અને ગૌચર જમીન સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ધારાસભ્યોએ પોતાના વિસ્તારોમાં લોકોને પડી રહેલી સમસ્યાઓ રજૂ કરી સમયસર ઉકેલ લાવવા માંગ કરી હતી. ખાસ કરીને વરસાદની અછતને કારણે ઉભી થયેલી પાણીની સમસ્યા, પશુઓ માટે ઘાસચારાની ઉપલબ્ધતા અને નર્મદા પાણીના અસરકારક વિતરણ અંગે જરૂરી પગલાં લેવા પર ભાર મૂકાયો હતો.

જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરીને વરસાદની અછત વચ્ચે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય નહીં તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. સંબંધિત વિભાગોને મેદાનમાં રહી સતત મોનીટરીંગ કરવા અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ લાવવા પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં પાણીની ચોરી અટકાવવા નિયમિત ચેકિંગ અભિયાન ચલાવવા, ગેરકાયદે પાણી જોડાણો સામે કડક કાર્યવાહી કરવા અને પીવાના પાણીનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત રખડતા પશુઓની સમસ્યા નિયંત્રણમાં લેવા વિશેષ ઝુંબેશ હાથ ધરવા, ગૌચર જમીનના સંરક્ષણને પ્રાથમિકતા આપવા તેમજ રસ્તા સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પણ સંબંધિત વિભાગોને જવાબદારી સોંપવામાં આવી હતી.

બેઠકના અંતે જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરીયાત મુજબ તાત્કાલિક નિર્ણય લઈને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE