કપરાડામાં 4 ઇંચ વરસાદ; રાજ્યના 95 તાલુકામાં મેઘમહેર, પરંતુ 111 તાલુકામાં હજુ પાંચ ઇંચ વરસાદ પણ નહીં
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનવાના સંકેતો વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. રાજ્યના 25 જિલ્લાના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 94 મીમી (આશરે 4 ઇંચ) વરસાદ વરસ્યો છે. તેમ છતાં સમગ્ર રાજ્યમાં ચોમાસાની ખાધ હજુ પણ ગંભીર બની રહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ નવસારીના ખેરગામમાં 55 મીમી, સુરતના કામરેજમાં 54 મીમી, નાનપોંઢામાં 37 મીમી, પાલસાણામાં 36 મીમી, ધરમપુરમાં 27 મીમી અને બારડોલીમાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ અનેક સ્થળોએ સારો વરસાદ વરસ્યો હતો.
મધ્ય ગુજરાતમાં પેટલાદ, સોજીત્રા, ઘોઘંબા, કરજણ અને સિનોર વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં વરસાદનો અભાવ યથાવત્ રહ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 908.88 મીમી સામે માત્ર 236.44 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશ વરસાદના માત્ર 26.02 ટકા જેટલો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 36.71 ટકા, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 3.42 ટકા વરસાદ નોંધાયો છે.
ચોમાસાની અડધી સિઝન પૂર્ણ થવા આવી હોવા છતાં ચાર તાલુકા હજુ પણ સંપૂર્ણ કોરા છે. ઉપરાંત 26 તાલુકામાં બે ઇંચથી ઓછો અને 111 તાલુકામાં પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર પાંચ તાલુકામાં જ 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વરસાદની સતત ખાધને કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ વાવણી અધૂરી છે, જ્યારે વાવણી થયેલા પાકને બચાવવા માટે પણ તાત્કાલિક વરસાદની જરૂરિયાત ઉભી થઈ છે. હવામાન વિભાગ મુજબ અલ નીનોની અસરને કારણે ચોમાસાની અનિશ્ચિતતા હજુ યથાવત્ હોવાથી આગામી દિવસો કૃષિ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.










