કલ્પસર યોજના સાકાર થતાં સૌરાષ્ટ્ર બનશે દેશનો સૌથી પાણી સમૃદ્ધ પ્રદેશ: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ

‘વિકસિત ભારત–2047’માં જળસંચયને સર્વોચ્ચ પ્રાથમિકતા; કલ્પસર માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું આપ્યું આશ્વાસન

સણોસરા (ભાવનગર): ગુજરાતના ભવિષ્યને નવી દિશા આપનારી કલ્પસર યોજના અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે, કલ્પસર યોજના અમલમાં આવ્યા બાદ સૌરાષ્ટ્ર સમગ્ર દેશમાં સૌથી વધુ પાણી સમૃદ્ધ, હરિયાળો અને કૃષિ ક્ષેત્રે અગ્રણી પ્રદેશ તરીકે ઉભરી આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર આ મહત્ત્વાકાંક્ષી યોજનાને સાકાર કરવા ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા અને કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીના અભિનવ સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં સી.આર. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત–2047ના વિઝનમાં પાણીનું સંરક્ષણ, જળસંચય અને લાંબા ગાળાની જળવ્યવસ્થા કેન્દ્રસ્થાને છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “પાણી માત્ર કુદરતી સંપત્તિ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટેની અમૂલ્ય જવાબદારી છે. તેનો સંરક્ષણ કરવું દરેક નાગરિકની ફરજ છે.” તેમણે કલ્પસરને માત્ર જળસંચય યોજના નહીં પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો ગણાવ્યો હતો.

આ પ્રસંગે સન્માનિત વિનુભાઈ ગાંધીએ જણાવ્યું કે ખંભાતનો અખાત ગુજરાત માટે પ્રકૃતિની અનોખી ભેટ છે અને વર્ષોથી જોવાતું કલ્પસરનું સ્વપ્ન હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી આ ઐતિહાસિક યોજના અવશ્ય સાકાર થશે.

કલ્પસર સહયોગ સમિતિ દ્વારા વિનુભાઈ ગાંધીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમને અર્પણ કરાયેલી રૂ.11,11,111ની સન્માનરાશિમાં પોતાની તરફથી રૂ.11,111 ઉમેરી તેમણે સમગ્ર રકમ કલ્પસર જાગૃતિ અને જનહિતના અભિયાન માટે સમિતિને પરત અર્પણ કરી હતી, જેને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધી હતી.

કાર્યક્રમની શરૂઆત જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) તથા લોકભારતીના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્યથી થઈ હતી. સમારોહમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, જળવિચારકો અને કલ્પસરના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE