અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ: 8નાં કરુણ મોત, 10 ગંભીર રીતે દાઝ્યા

ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં આગથી ભારે જાનહાનિ; ફાયર, પોલીસ અને 108ની ટીમો સતત રેસ્ક્યૂ ઓપરેશનમાં

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

આગ ભડકતા જ સમગ્ર ફેક્ટરી ધુમાડા અને જ્વાળાઓથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ તથા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે, જ્યારે ફેક્ટરીના કાટમાળમાં અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળને સુરક્ષિત બનાવી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ફોરેન્સિક નિષ્ણાતો અને ફાયર વિભાગની ટીમો દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE