સી.આર. પાટીલે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક; વિકાસલક્ષી ભેટોની સંભાવના પર ચર્ચા
નવી દિલ્હી/નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા વચ્ચે નવસારી જિલ્લામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. પ્રવાસ અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પ્રાથમિક આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ, સુરક્ષા વ્યવસ્થા, સ્થળની તૈયારીઓ અને અન્ય વહીવટી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાને તાજેતરમાં સાણંદ ખાતે નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે ઓગસ્ટમાં સંભવિત નવસારી પ્રવાસ તેમની રાજ્યની વધુ એક મહત્વપૂર્ણ મુલાકાત બની શકે છે.
રાજકીય અને વહીવટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન નવસારી સહિત દક્ષિણ ગુજરાત માટે વિકાસલક્ષી યોજનાઓ, નવા પ્રોજેક્ટ અથવા અન્ય મહત્વપૂર્ણ ભેટોની જાહેરાત કરી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વડાપ્રધાનના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ તેમજ મહાનગર ભાજપ દ્વારા પણ આયોજનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સત્તાવાર કાર્યક્રમ જાહેર થયા બાદ સમગ્ર આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.











