દેશી દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી તૈયાર થતો હતો નકલી વિદેશી દારૂ; 6,390 ખાલી બોટલો સહિત રૂ.80 હજારનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો છે. વાંકાનેર સિટી પોલીસે ગાયત્રી રોડ પર આવેલા એક મકાનમાં દરોડો પાડી દેશી દારૂમાં વિવિધ એસેન્સ અને ફ્લેવર ઉમેરી તેને વિદેશી દારૂ તરીકે તૈયાર કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર લાવ્યું છે.
પોલીસે સ્થળ પરથી 75 લિટર મિશ્રિત દેશી દારૂ, 6,390 ખાલી કાચની બોટલો, પાંચ એસેન્સની બોટલો તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂ.80,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે **જીગ્નેશ હર્ષદભાઈ કારીયા (ઉ.વ.38)**ની ધરપકડ કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂ બનાવવાની સામગ્રી અને જથ્થો રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સલીમ કાણીયા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ માહિતીના આધારે હવે સલીમ કાણીયાને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાના રહેણાંક મકાનમાં જ નકલી વિદેશી દારૂ તૈયાર કરતો હતો. દેશી દારૂમાં એસેન્સ અને ફ્લેવર ભેળવી તેને જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી બજારમાં સપ્લાય કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મોરબી જિલ્લામાં અગાઉ પણ ડુપ્લિકેટ દારૂના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. રફાળેશ્વર GIDC અને માળિયા વિસ્તારમાં પણ આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ હતી. હવે વાંકાનેરમાં થયેલી કાર્યવાહીએ ફરી એકવાર નકલી દારૂના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વાંકાનેર સિટી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર સપ્લાય ચેઇન, અન્ય સંડોવાયેલા શખ્સો તથા આ નકલી દારૂ ક્યાં-ક્યાં વેચાતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.










