સંસ્કૃત ભાષાના પુસ્તક ‘માનસપ્રભા’ માટે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાના હસ્તે સન્માન
બોટાદ: બોટાદ જિલ્લાના તુરખા પ્રાથમિક શાળાના શિક્ષક અને યુવા સાહિત્યકાર ડૉ. આનંદ ગઢવીને તેમના સંસ્કૃત ભાષાના પુસ્તક ‘માનસપ્રભા’ માટે રાજ્યસ્તરીય શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.
ગત 15 જુલાઈએ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભાગારમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘સંસ્કૃતોત્સવ’ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાના હસ્તે ડૉ. આનંદ ગઢવીને આ પ્રતિષ્ઠિત સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાં, મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તેમજ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. જગદીશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. આનંદ ગઢવી જાણીતા શિક્ષણવિદ્ મહેશભાઈ ગઢવીના સુપુત્ર છે. તેઓ સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, વ્રજ અને ચારણી ભાષામાં પણ નોંધપાત્ર સાહિત્યસર્જન કરી ચૂક્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે સમગ્ર ચારણ સમાજના સાહિત્યિક ઇતિહાસમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા પુસ્તક માટે રાજ્યસ્તરીય પારિતોષિક મેળવનાર તેઓ પ્રથમ ચારણ સાહિત્યકાર બન્યા છે.
ડૉ. આનંદ ગઢવીની આ સિદ્ધિને બોટાદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી શકાય. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંસ્કૃતપ્રેમી ડૉ. ભરતસિંહ વઢેરે પણ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.











