નવી દિલ્હી: ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી વિરામ વચ્ચે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા ચોમાસું ફરી સક્રિય બનવાની આશા જાગી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ આગામી બે દિવસમાં આ સિસ્ટમ વધુ અસરકારક બનતાં પૂર્વ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ તેજ બનવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક આજે સવારે લો-પ્રેશર વિસ્તાર બન્યો છે. તેની સાથે જોડાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આશરે 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે.
બીજી તરફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર 5.8 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર યથાવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
હાલ ચોમાસાની ધરી જમ્મુ, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરા થઈને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના લો-પ્રેશર વિસ્તાર સુધી વિસ્તરેલી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ મર્યાદિત વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 17થી 20 જુલાઈ દરમિયાન કોંકણ અને ગોવા વિસ્તારમાં વ્યાપકથી ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 16 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા, અંડરસ્ટોર્મ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.











