વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સર્જાતા કેમ્પસમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બંને વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છૂટા હાથની અથડામણ થઈ હતી. દરમિયાન ABVPના એક કાર્યકરને લાફો મારવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો અને સ્થળ પર ભારે હંગામો મચ્યો હતો.
ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી તંત્ર અને સુરક્ષા કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ ઘટનાને લઈને વિદ્યાર્થી વર્ગમાં પણ રોષ જોવા મળ્યો છે. બંને વિદ્યાર્થી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કેમ્પસમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
સમગ્ર ઘટનાને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.











