રોહિત શર્મા સામે ઇતિહાસ રચવાની તક: ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં અનેક રેકોર્ડ્સ નિશાને

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાનારી પ્રથમ વન-ડે મેચ સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરવાની તક ઉભી થઈ છે. ટી-20 શ્રેણી બાદ હવે ભારતીય ટીમ વન-ડે સિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે, જ્યારે રોહિત શર્માની નજર અનેક વ્યક્તિગત રેકોર્ડ્સ પર રહેશે.

જો રોહિત આ શ્રેણીમાં એક સદી ફટકારશે તો તે સર ડોન બ્રેડમેન બાદ ઇંગ્લેન્ડની ધરતી પર 10 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો બીજો વિદેશી બેટ્સમેન બનશે.

આ ઉપરાંત, ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ વન-ડે સદીનો રેકોર્ડ પોતાના નામે કરવાની સાથે 39 વર્ષની ઉંમરે વન-ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બનવાનો મોકો પણ તેને મળશે.

વન-ડે ક્રિકેટમાં 12,000 રન પૂર્ણ કરવા માટે રોહિતને હવે માત્ર 80 રનની જરૂર છે. જ્યારે SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) સામે 9,000 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરવા માટે તેને 69 રનની જરૂર છે.

ટીમની જીતમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડ સુધી પહોંચવા માટે રોહિતને વધુ 49 રન બનાવવાના છે.

‘સિક્સર કિંગ’ તરીકે જાણીતા રોહિત શર્મા પાસે ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવવા માટે માત્ર 1 છગ્ગાની, જ્યારે SENA દેશો સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરવા માટે 3 છગ્ગાની જરૂર છે.

ઇંગ્લેન્ડની ધરતી પર આ રોહિત શર્માની છેલ્લી વન-ડે શ્રેણી હોવાની ચર્ચા વચ્ચે ક્રિકેટપ્રેમીઓ તેની પાસેથી વધુ એક યાદગાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE