સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વીડિયો વાયરલ: પડધરીના બે શખ્સોની ધરપકડ, વન વિભાગે શરૂ કરી કડક કાર્યવાહી

જૂનાગઢ: જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરવાના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું અને ટેકનિકલ તપાસના આધારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂમાં ફરવા આવેલા કેટલાક શખ્સોએ પિંજરામાં રહેલા વાઘ તરફ ગમછો ફેંકીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વન વિભાગે સક્કરબાગ ઝૂના સીસીટીવી કેમેરા તેમજ જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ તપાસમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના રહેવાસી દેવાભાઈ શિરોડિયા અને બાબુભાઈ શિરોડિયાની ઓળખ થતાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

વન વિભાગે બંને આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

વન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જંગલી પ્રાણીઓને ઉશ્કેરવા, પજવવા અથવા તેમની સુરક્ષાને જોખમમાં મૂકતા કોઈપણ કૃત્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને નિયમોનું પાલન કરવા અને વન્યજીવો પ્રત્યે જવાબદાર વર્તન રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE