રાજકોટ: જુલાઈ માસનો અડધો સમય પૂર્ણ થવા આવ્યો હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની પૂરતી મહેર જોવા મળી નથી. વરસાદની લાંબી ખેંચને કારણે જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણીની ચિંતા વધવા લાગી છે. સ્થિતિ એવી બની છે કે સૌરાષ્ટ્રના એક ડઝનથી વધુ ડેમોને હવે સૌની (SAUNI) યોજનાના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના આજી-1 અને ન્યારી-1 સહિત નાયકા, રાણીપત, ખંભાળિયા, મચ્છુ-1, સેતુબંધ, ગોમા, દેવધારી, માલગઢ, કરણુકી, ઓઝત અને ધોળીધજા સહિત કુલ 12 ડેમોમાં હાલ સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેથી પીવાના પાણીની જરૂરિયાત જાળવી શકાય.
વરસાદના અભાવે સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ દિવસેને દિવસે વધુ ચિંતાજનક બની રહી છે. રાજકોટ જિલ્લાના 11, જામનગર જિલ્લાના 14, દેવભૂમિ દ્વારકાના 12, સુરેન્દ્રનગર જિલ્લાના 7, મોરબી જિલ્લાના 3 તેમજ પોરબંદર અને અમરેલી જિલ્લાના 2-2 ડેમ લગભગ તળિયે પહોંચી ગયા છે. હાલમાં સૌરાષ્ટ્રના 60થી વધુ ડેમોમાં માત્ર 0.44 ટકાથી 12 ટકા સુધીનો જળસંગ્રહ બચ્યો હોવાનું વિભાગીય આંકડાઓ દર્શાવે છે.
હવામાન વિભાગે પણ આગામી એક સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ નોંધપાત્ર વરસાદની શક્યતા વ્યક્ત કરી નથી. પરિણામે પીવાના પાણી અને સિંચાઈ માટેની ચિંતા વધુ ગંભીર બની રહી છે.
સૌથી વધુ મુશ્કેલ સ્થિતિ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં અનેક ડેમોમાં માત્ર 2થી 10 ટકા જેટલું પાણી જ ઉપલબ્ધ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પાણીની અછત વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
રાજકોટ શહેર માટે હાલ નર્મદાના નીરથી આજી અને ન્યારી ડેમમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાથી તાત્કાલિક પીવાના પાણીનો સંકટ નથી. જોકે, ચોમાસું વધુ ખેંચાય તો સમગ્ર સૌરાષ્ટ્રમાં જળસંકટની સ્થિતિ વધુ વિકટ બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.










