રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું મેગા ઓપરેશન: સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ વ્યક્તિઓ ડિટેન, તપાસ તેજ

પાટણ: અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત ATS દ્વારા રાજ્યવ્યાપી સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ATS દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જોકે, તપાસ એજન્સીઓએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ આરોપોની પુષ્ટિ કરી નથી.

13 જુલાઈના રોજ ATSની ટીમોએ સિદ્ધપુરમાં ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં લાંબા સમય સુધી તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા રમકડાંમાં વપરાતી નાની બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી ‘નૂરાની ટેલર્સ’ દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરીને વધુ પૂછપરછ માટે લઈ જવાયો હતો. ત્યારબાદ તપાસનો વ્યાપ વધારતાં આજે સિદ્ધપુરમાંથી વધુ પાંચ વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા છે.

અગાઉ સ્થાનિક પોલીસના સહયોગથી વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અત્યાર સુધીમાં સિદ્ધપુરમાંથી ત્રણ, પાલનપુરમાંથી ત્રણ અને ચીખલીમાંથી એક સહિત કુલ આઠ શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા હતા. હવે સિદ્ધપુરમાંથી વધુ પાંચ વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવતા તપાસ વધુ ગહન બની છે.

ATSની ટીમોએ સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરી સંદિગ્ધ વ્યક્તિ મોહમદ અમીન શેરાના નિવાસસ્થાને તપાસ કરી હતી. પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ એજન્સીઓ શંકાસ્પદ સામાનની ખરીદી, સંભવિત સંપર્કો અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવામાં વ્યસ્ત છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ હજુ ચાલુ છે અને મળતા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE