અમરેલી: અમરેલી જિલ્લાના લીલિયા રેન્જમાં સિંહના મેટિંગ દરમિયાન તેની પજવણી કરીને કથિત ‘લાયન શો’ યોજવાના ચકચારભર્યા મામલે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વન વિભાગની તપાસ મુજબ સમગ્ર પ્રકરણમાં કુલ ત્રણ લોકો સંડોવાયેલા હતા. જેમાંથી એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓએ સિંહના મેટિંગના દૃશ્યોનો વીડિયો બનાવી તેને અન્ય લોકોને મોકલ્યો હતો તેમજ વીડિયો કોલ દ્વારા પણ આ દૃશ્યો બતાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પુરાવા નષ્ટ કરવાના પ્રયાસરૂપે બંને આરોપીઓએ પોતાના મોબાઇલ ફોનનો ડેટા પણ ફોર્મેટ કરી નાખ્યો હતો.
ટેક્નિકલ પુરાવા અને સઘન તપાસના આધારે રેહાનખાન પઠાણ (રહે. અમરેલી) અને **યશરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા)**ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રીજો આરોપી અહેમદ ઉર્ફે સોહિલ મેમણનું અવસાન થયાનું તપાસમાં બહાર આવ્યું છે.
વન વિભાગના જણાવ્યા મુજબ આ ગુનામાં આરોપીઓને 3થી 7 વર્ષની જેલની સજા થઈ શકે તેવી જોગવાઈ છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓને ટૂંક સમયમાં લીલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી છે. વન વિભાગે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિંહ સહિત કોઈપણ વન્યપ્રાણીની પજવણી અથવા હેરાનગતિ કરનાર સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. વન્યજીવોના સંરક્ષણ માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાનું વિભાગે જણાવ્યું છે.










