રાજકોટ: શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતી એક શાતિર તસ્કર બેલડીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપીઓ લક્ઝરી કાર ભાડે લઈને દિવસ દરમિયાન રેકી અને રાત્રે ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.11.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગાંધીગ્રામ પોલીસ મથકના બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રથમ બનાવમાં 150 ફૂટ રિંગ રોડ નજીક સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેતા અને હાલમાં યુએઈમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રમેશલાલ ગાધેરના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરીને રોકડ રૂ.4.75 લાખ, સોનાની 14 લગડી, એલઈડી ટીવી સહિત કુલ રૂ.5.75 લાખની ચોરી કરી હતી.
બીજા બનાવમાં રૈયા ચોકડી નજીક રાવલનગર વિસ્તારમાં એકલા રહેતા વેપારી અનિલભાઈ પટેલના મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યાંથી રોકડ, સોનાની બુટી, ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ.62 હજારની ચોરી કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ તપાસ અને બાતમીના આધારે ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા (ઉ.વ.26) અને **રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.33)**ની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાની 16 લગડી, સોનાની બુટી, ચાંદીના સિક્કા, એલઈડી ટીવી તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ.11,47,234નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓ અમદાવાદ સહિતના શહેરોમાંથી સેલ્ફ ડ્રાઇવ પર લક્ઝરી કાર ભાડે લેતા હતા. દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કર્યા બાદ રાત્રે એ જ કારમાં આવી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. લક્ઝરી કાર હોવાથી કોઈને શંકા ન જાય તે હેતુથી તેઓ આ રીત અપનાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ અગાઉ પણ રૈયા રોડ વિસ્તારમાં નિવૃત્ત PSIના પુત્રની ઓફિસમાંથી લોકર ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. હાલ પોલીસે બંનેની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.










