રાજકોટ: અષાઢી બીજ અને રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં રાજકોટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના મીરજાપુરથી ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતી ‘વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશન દરમિયાન 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કારતૂસ અને 4 મોબાઇલ ફોન સહિત રૂ.2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ PCBના પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશનો સકીલ સાદીક મન્સુરી કુવાડવા હાઈવે પર વાંકાનેર ચોકડી નજીક હથિયારોની ડિલિવરી આપવા આવવાનો છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને 5 દેશી પિસ્ટલ અને 20 જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.
સકીલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેણે અગાઉ પણ ચોટીલા અને બોધરાવદરના શખ્સોને હથિયારો પહોંચાડ્યા હતા. તેના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી વધુ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં સકીલ સાદીક મન્સુરી (મીરજાપુર, ધાર-મધ્યપ્રદેશ), જયસુખ ઉર્ફે જેસો વાઘેલા (બોધરાવદર, જસદણ), ગાવસ્કર ઉર્ફે દર્શન ઉર્ફે અનિલ રોજાસરા, અનિલ વિરા ખેતરીયા અને પ્રદીપ કરપડા (તમામ ચોટીલા)નો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 16 ગેરકાયદેસર દેશી પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 મોબાઇલ ફોન કબજે કર્યા છે. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ હથિયાર સપ્લાય નેટવર્કના અન્ય સભ્યો, ખરીદદારો અને આંતરરાજ્ય કડીઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે.










