બનાસકાંઠા: જિલ્લાના ભાભર-દિયોદર હાઈવે પર ખારા ગામ નજીક ગત રાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં જૂનાગઢની એમ્બ્યુલન્સના ચાલક સહિત બે વ્યક્તિઓના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માત બાદ એમ્બ્યુલન્સ રસ્તાની નીચે ઉતરી બાવળની કાંટાળી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જૂનાગઢની એમ્બ્યુલન્સ એક દર્દીને ટડાવ ગામે પહોંચાડીને પરત ફરી રહી હતી. તે દરમિયાન ભાભરના ખારા ગામ નજીક સામેથી આવતી કાર સાથે ભીષણ ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાર ચાલક પ્રકાશજી જોરાજી ઠાકોર (ઉંમર 25 વર્ષ), રહેવાસી વડા, તાલુકો ઓગડ તેમજ એમ્બ્યુલન્સ ચાલક અજીત શાહ મોમદ શાહ (ઉંમર 59 વર્ષ), રહેવાસી જૂનાગઢના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.










