મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ભૂકંપના સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતાનો માહોલ યથાવત છે. હિંગોલી જિલ્લામાં આજે સવારે 11:26 વાગ્યે ફરી એકવાર ધરતી ધ્રૂજતાં અનેક વિસ્તારોમાં લોકો ભયના માહોલ વચ્ચે ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની 3.5ની તીવ્રતા નોંધાઈ હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ હિંગોલી જિલ્લાના વસઈ ગામ નજીક જમીનથી અંદાજે પાંચ કિલોમીટર ઊંડે હોવાનું ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે નોંધ્યું છે. આંચકાની અસર ઔંધા નાગનાથ, કલમનુરી, વાસમત સહિત આસપાસના અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં મરાઠવાડા વિસ્તારમાં નોંધાયેલો આ પાંચમો ભૂકંપ છે. અગાઉ 9 જુલાઈની મધરાત્રિ બાદ નાંદેડ, લાતૂર અને પરભણી જિલ્લામાં 1:37થી 2:17 દરમિયાન સતત ત્રણ આંચકા નોંધાયા હતા, જેમાં રિક્ટર સ્કેલ પર અનુક્રમે 4.6, 3.6 અને 3.9ની તીવ્રતા નોંધાઈ હતી.
સતત નોંધાઈ રહેલા ભૂકંપના આંચકાઓને પગલે સ્થાનિકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. જોકે જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રશાસન સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.










