અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસાવ્યા બાદ હવે મેઘરાજાનો મિજાજ બદલાતો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતાં છેલ્લા 24 કલાકમાં માત્ર 14 જિલ્લાના 60 તાલુકામાં જ હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 38 મીમી (આશરે દોઢ ઇંચ) નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાત સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધી 34.69 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના નાનાપોંઢા ઉપરાંત કપરાડામાં 34 મીમી, ધરમપુરમાં 15 મીમી અને ડાંગના આહવામાં લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા.
બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો સંપૂર્ણ કોરા રહ્યા હતા. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો નહોતો. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઘોઘા અને જેસરમાં હળવા ઝાપટાં સિવાય અન્ય વિસ્તારોમાં વાતાવરણ સ્વચ્છ બન્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 223.88 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 24.63 ટકા જેટલો થાય છે. ત્રણ તાલુકામાં 40 ઇંચથી વધુ, 29 તાલુકામાં 20થી 40 ઇંચ અને 35 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે હજુ પણ રાજ્યના સાત તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો નથી, જેના કારણે ત્યાં ચોમાસાની રાહ યથાવત છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા છે, જોકે સ્થાનિક હવામાન પ્રણાલીઓ સક્રિય બનતાં કેટલાક વિસ્તારોમાં ફરી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.










