જોડિયાના બારી શેરી કોઝવે પર ગાંડા બાવળનું દબાણ: ચોમાસા પહેલાં નાળાની સફાઈની સ્થાનિકોની માંગ

જોડિયા: ચોમાસાની સિઝન શરૂ થતાં જ જોડિયાના બારી શેરી વિસ્તારમાં આવેલા કોઝવેની બંને બાજુ ગાંડા બાવળ, ઝાડઝાંખર અને કચરાના ઢગલાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ ઉઠાવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ભારે વરસાદ દરમિયાન બારી શેરી વિસ્તારના કોઝવે પરથી પૂરનું પાણી ફરી વળતું હોવાથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ વિસ્તારમાં આવેલી રામવાડી, ગીતા મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થળો અને આસપાસના રહેણાંક વિસ્તારોને પણ તેની અસર ભોગવવી પડે છે.

રહેવાસીઓનું કહેવું છે કે ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે નાળાઓની સફાઈ, ગાંડા બાવળ અને અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી સમયસર થવી જોઈએ. હાલમાં કોઝવેની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડઝાંખર અને એકત્ર થયેલી ગંદકી વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બની શકે છે.

સ્થાનિકોએ ગ્રામ પંચાયત તેમજ સંબંધિત તંત્રને કોઝવેની બંને બાજુ આવેલા નાળાની તાત્કાલિક સફાઈ કરાવવા, ગાંડા બાવળ દૂર કરવા અને વરસાદી પાણીના સરળ નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે, જેથી ચોમાસા દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ ટાળી શકાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE