રાજકોટમાં હરિયાળી વધારવા RMCનું મેગા પ્લાન: 75 હજાર વૃક્ષોનું વાવેતર થશે

રાજકોટ: પર્યાવરણ સંરક્ષણ અને શહેરનું ગ્રીન કવર વધારવા રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં વિવિધ સ્થળોએ કુલ 75 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 66 લાખનો ખર્ચ કરવામાં આવશે.

આ યોજના હેઠળ મિયાવાકી પદ્ધતિ અપનાવીને ટીપી પ્લોટો, ખુલ્લી જાહેર જમીનો તેમજ લાયન સફારી પાર્કમાં ગીચ હરિયાળા વિસ્તારો વિકસાવવામાં આવશે. આ પદ્ધતિથી ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષો ઝડપથી વિકસતા હોવાથી શહેરના પર્યાવરણને લાંબા ગાળે મોટો ફાયદો થશે.

આ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીએ ફાયર બ્રિગેડ વિભાગના સાપ્તાહિક કામગીરી અહેવાલની પણ સમીક્ષા કરી હતી. વરસાદી સિઝનમાં ઈમરજન્સી સેવાઓ વધુ અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેન્ટેનન્સ, કામગીરીની કાર્યક્ષમતા અને જાળવણીને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાએ શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ આગામી સમયમાં પણ સતત અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE