આગર-માલવા: દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં દાનની પારદર્શિતા અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. અયોધ્યાના રામ મંદિર અને ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ બાદ હવે મધ્ય પ્રદેશના આગર-માલવા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત મા બગલામુખી મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં ગેરરીતિના આક્ષેપો સામે આવતા પ્રશાસને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિરમાં આવતા દાનની રકમ અને સોના-ચાંદીના ચઢાવાના હિસાબમાં અનિયમિતતા તેમજ કેટલાક દાન ખાનગી બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો જિલ્લા પ્રશાસન સુધી પહોંચી હતી. ફરિયાદોને ગંભીરતાથી લઈ કલેક્ટર પ્રીતિ યાદવે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે.
જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારી બી.એસ. સોલંકીના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિને મંદિરના બેંક ખાતા, રસીદ બુક, દાનની નોંધપોથી અને અન્ય તમામ નાણાકીય દસ્તાવેજોની સઘન તપાસ કરીને સાત દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફરિયાદોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલીક બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા રોકડ તેમજ સોના-ચાંદીના રૂપમાં ગેરકાયદેસર રીતે દાન અને ચઢાવાની વસૂલાત કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન આ તમામ મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવશે.
મામલો સામે આવતા રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ છે. કોંગ્રેસે ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે, જ્યારે રાજ્યના ધર્મસ્વ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ જણાવ્યું છે કે ગેરરીતિમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બખ્શવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે મંદિરના વહીવટમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દર ત્રણ મહિને નિયમિત ઓડિટ કરવામાં આવશે. સાથે જ શ્રદ્ધાળુઓ સુરક્ષિત અને પારદર્શક રીતે દાન આપી શકે તે માટે ક્યુઆર કોડ આધારિત ડિજિટલ દાન વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે.










