પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલી 1,878 બોટલો કોર્ટના આદેશ બાદ નષ્ટ કરાઈ
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ 1,878 બોટલો, અંદાજિત ₹11,76,570ના મુદ્દામાલનો કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો છે.
જુનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.જી. જાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પીઠીયાએ કોર્ટમાંથી મંજૂરી મેળવી તા. 7 જુલાઈ, 2026ના રોજ વેરાવળ પ્રાંત અધિકારી તથા નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં ડાભોર ગામના ઓવરબ્રિજ નીચે કાયદેસરની પ્રક્રિયા મુજબ સમગ્ર પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન પંચનામું તૈયાર કરવામાં આવ્યું તેમજ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી દ્વારા સમગ્ર પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવ્યો.
ગીર સોમનાથ પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ગુજરાત પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ તથા હેરફેરમાં સંડોવાયેલા તત્વો સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે.











