દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત; અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ સક્રિય બન્યું છે. રાજ્ય પર એકસાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સિઝનની કુલ વરસાદી ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોન સૌથી આગળ 26.79 ટકા વરસાદ સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
કચ્છના અનેક તાલુકાઓ હજુ વરસાદથી વંચિત
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે કચ્છના કેટલાક તાલુકાઓ હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં હજુ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી, જેના કારણે આ વિસ્તારો કોરાધાકોડ રહ્યા છે.
અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમરેલી, સુરત, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માછીમારો માટે ખાસ ચેતવણી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી અરબી સમુદ્રમાં ભારે પવન અને ઉછળતા મોજાંની શક્યતા વ્યક્ત કરતાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી-નાળા નજીક ન જવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.











