જળાશયોમાં નવા નીરની સતત આવક; રોજકી ડેમ 99 ટકા ભરાયો, અમરેલી જિલ્લામાં વરસાદે આપી આંશિક રાહત
ભાવનગર: સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન બંને જિલ્લામાં અડધા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાતા જળાશયોમાં નવા પાણીની આવક સતત વધી રહી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના ચાર ડેમ ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
ભાવનગર જિલ્લામાં મહુવામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગારીયાધાર, પાલીતાણા અને જેસરમાં એક ઇંચ, શિહોરમાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર, વલભીપુર અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.
શેત્રુંજી ડેમ છલકાયો, તમામ 59 દરવાજા ખોલાયા
સતત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઈ જતા તેના તમામ 59 દરવાજા ખોલીને 1,800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ખોડીયાર ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જતા તેના બે દરવાજા ખોલી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. માલણ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, જ્યારે રોજકી ડેમ 99.35 ટકા ભરાઈ જતાં કોઈપણ સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે.
જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રંઘોળા ડેમ 88.13 ટકા, હણોલ ડેમ 74.64 ટકા, કાળુભાર ડેમ 72.38 ટકા અને રજાવળ ડેમ 68.37 ટકા ભરાઈ ચૂક્યા છે. તળાજાના કાળુભાર ડેમમાંથી પણ 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
અમરેલીમાં ભારે વરસાદ બાદ રાહત
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર થોડું ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ જાફરાબાદમાં 24 મીમી, રાજુલામાં 23 મીમી, ખાંભામાં 13 મીમી, સાવરકુંડલામાં 11 મીમી, લીલીયામાં 7 મીમી, અમરેલીમાં 6 મીમી, બાબરામાં 4 મીમી તેમજ બગસરા અને ધારીમાં 3-3 મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક યથાવત રહેતાં વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.











