મહારાષ્ટ્રમાં મેઘતાંડવ યથાવત: મુંબઈમાં 5 ઇંચ વરસાદ, લોનાવાલામાં 52 ઇંચનો રેકોર્ડબ્રેક વરસાદ

મહાબળેશ્વરમાં 20 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત; પાલઘરમાં 10નાં મોત, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે લોનાવાલા અને મહાબળેશ્વરમાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂર, ભૂસ્ખલન અને માર્ગ અવરોધ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે મુંબઈ સહિત અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી આપી છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન શાંતાક્રુઝ વિસ્તારમાં 124 મીમી (આશરે 5 ઇંચ) અને કોલાબામાં 62 મીમી (અઢી ઇંચ) વરસાદ નોંધાયો છે. સતત વરસેલા વરસાદને કારણે શહેરના જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને જળસંગ્રહમાં આશરે 41 ટકા જેટલું નવું પાણી ઉમેરાયું છે.

મહારાષ્ટ્રના હિલ સ્ટેશન લોનાવાલામાં છેલ્લા 48 કલાકમાં 1,290 મીમી (આશરે 52 ઇંચ) વરસાદ નોંધાતા દાયકાઓનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે મહાબળેશ્વરમાં માત્ર 24 કલાકમાં 513 મીમી (આશરે 20 ઇંચ) વરસાદ ખાબકતાં અનેક સ્થળોએ ભૂસ્ખલન, માર્ગ ધોવાઈ જવાની અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

ભારે વરસાદને કારણે ઘાટ વિસ્તારોમાં ધોધો સક્રિય બન્યા છે અને અનેક રસ્તાઓ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. સતત વરસાદ વચ્ચે બચાવ અને રાહત કામગીરી પણ તેજ કરવામાં આવી છે.

પાલઘર જિલ્લામાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વિરાર, વસઈ સહિતના વિસ્તારોમાં હજુ પણ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. જોકે વરસાદનું જોર થોડું ઘટતાં મુંબઈ લોકલ સેવા અને લાંબા અંતરની કેટલીક ટ્રેનોનું સંચાલન તબક્કાવાર પૂર્વવત કરવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે આગામી 24થી 48 કલાક દરમિયાન પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. લોકોને નદી-નાળાથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE