ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રફ્તારમાં આવી ગયું છે. જુનાગઢ અને ગીર સોમનાથ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં માત્ર બે કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 172 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
વલસાડમાં સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 155 મીમી (6.10 ઈંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ડાંગમાં 79 મીમી, નવસારીના ગણદેવીમાં 55 મીમી, પારડીમાં 54 મીમી, નાના પૌઢામાં 52 મીમી, સુરતના મહુવામાં 50 મીમી, કપરાડા અને ડોલવણમાં 46 મીમી તેમજ વાપીમાં 42 મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માંગરોળમાં 321 મીમી નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવા છતાં મહેસાણાના કડીમાં આશરે 9 ઈંચ વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત પાંચ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય હોવાથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે.
રાજ્યમાં ચોમાસું હવે મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે અને સીઝનનો કુલ વરસાદ 8.46 ટકા સુધી પહોંચી ગયો છે. અગાઉ વરસાદથી વંચિત રહેલા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતાં હવે રાજ્યમાં માત્ર 17 તાલુકા જ એવા રહ્યા છે જ્યાં હજુ નોંધપાત્ર વરસાદ થયો નથી.










