હિમાચલમાં ચોમાસાનો કહેર: ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં 9નાં મોત, 49 માર્ગો બંધ

શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને અન્ય દુર્ઘટનાઓને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 49 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત નોંધાયા છે. લાહૌલ-સ્પીતિના ઉદયપુર–મયાડ ખીણ માર્ગ પર બસના કંડક્ટર જ્ઞાનસિંહ પર પહાડી પરથી પથ્થર પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

શિમલાના રામપુર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. કાંગડાના દેહરામાં ટુલ્લુ પંપનું કામ કરતી વખતે એક પ્લમ્બરનું કરંટ લાગવાથી મોત થયું, જ્યારે ચંબા જિલ્લાના અગાહર ગામમાં પગ લપસતાં એક મહિલા ઊંડી ખીણમાં ખાબકી જતાં જીવ ગુમાવ્યો હતો.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 9 લોકોનાં મોત થયા છે. જેમાં પડી જવાથી ચાર, ડૂબી જવાથી એક, કરંટ લાગવાથી એક અને અન્ય કારણોસર ત્રણ લોકોનાં મોતનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે 7 કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે.

ચંબા જિલ્લાના ભરમૌર વિસ્તારમાં સિયુંર નાળામાં આવેલા પૂરના કારણે ગ્રીમા તરફ જતો માર્ગ લગભગ 60 ફૂટ સુધી ધોવાઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા વહીવટી તંત્ર એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.

બીજી તરફ, રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસમાં હળવી હિમવર્ષા નોંધાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે લોકોને નદી-નાળાઓ અને ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE