બોટાદ: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી બોટાદ ખાતે પ્રયોશા ક્રેડિટ સોસાયટી અને મિશન ગ્રીન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 551 વૃક્ષોનું વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.
પ્રયોશા ક્રેડિટ સોસાયટીના 12 વર્ષના જનસેવા, જનવિશ્વાસ અને જનકલ્યાણના અવસરે તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને સમર્થન આપતાં બોટાદ શહેરને વધુ હરિયાળું બનાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રયોશા ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી મયૂરધ્વજસિંહ ભાટી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિરંજનભાઈ સોની અને સમગ્ર બોર્ડ દ્વારા મિશન ગ્રીન સંસ્થાને પર્યાવરણ સંરક્ષણના કાર્યો માટે રૂ. 1 લાખનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બોટાદ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી વનરાજસિંહ ડાભી, બોટાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પાટીવાળા, નગરપાલિકા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ખસિયા, જાયન્ટ ગ્રુપના પ્રમુખ ડૉ. પ્રશાંત કળથીયા, પત્રકાર શ્રી કનુભાઈ ખાચર, પર્યાવરણવિદ શ્રી દીગુભા ચુડાસમા, જિલ્લા ઓબીસી મોરચા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બોળીયા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુભાઈ સાવલિયા, શ્રી કેતનભાઈ રોજાસરા, કોર્પોરેટર શ્રી નટુભાઈ પરમાર, લેખક રત્નાકર નાંગર, શ્રી દીપકભાઈ માથુકિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘પ્રયોશા ઉપવન’ના પ્રેરક અને ઉદ્ઘાટક શ્રી મયૂરધ્વજસિંહ ભાટી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 551 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અવસરે બોટાદ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી વનરાજસિંહ ડાભીએ બંને સંસ્થાઓના પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને બિરદાવી વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનોને સ્મૃતિચિહ્નરૂપે રોપા સાથેના કુંડા ભેટ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે પ્રયોશા ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી મયૂરધ્વજસિંહ ભાટીએ સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેનું જતન કરવાની જવાબદારી નિભાવવા, બોટાદના બાગ-વન-ઉપવનના વિકાસમાં સહભાગી બનવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.











