મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં રાતભર ધોધમાર વરસાદ વરસાવ્યો છે. સતત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે માર્ગ અને રેલવે પરિવહન પર પણ વ્યાપક અસર જોવા મળી હતી. બીજી તરફ ગુજરાતમાં હજુ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ, વીજળીના કડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
મધરાત બાદ શરૂ થયેલો વરસાદ સવારે પણ યથાવત રહ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ, વર્સોવા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં દૈનિક જનજીવનને ભારે અસર પહોંચી હતી.
ભારે વરસાદના કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં રાત્રે લગભગ 1:45 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. અનેક વાહનચાલકો અને મુસાફરોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેનો પણ ધીમી ગતિએ દોડી હતી.
ખાનગી હવામાન એજન્સીઓએ પણ આગામી છ દિવસ સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય બન્યું છે અને અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં ભેજ મળતા જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગઢ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. પ્રશાસને લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.











