ગુજરાતમાં ચોમાસાની ગતિ મંદ, માત્ર 10 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ

અમદાવાદ: નૈઋત્ય ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું હોવા છતાં રાજ્યમાં હજુ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું હાલ સુરત નજીક સ્થિર છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના વધુ વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાંથી માત્ર 10 તાલુકાઓમાં જ સામાન્ય વરસાદ નોંધાયો હતો. કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉમરગામમાં 10 મીમી, વાપીમાં 9 મીમી, વલસાડમાં 7 મીમી, સાગબારામાં 4 મીમી તેમજ ચૂડા અને દીપોદરમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે સક્રિય રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડતાં હાલ ભારે વરસાદની શક્યતા ઓછી થઈ છે.

રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ માત્ર 2.88 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ 909 મીમી વરસાદની સામે અત્યાર સુધી માત્ર 26.18 મીમી વરસાદ પડ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત—બધા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું છે.

વરસાદની ખેંચને કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વાવણી માટે અનુકૂળ વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે લાંબો વિરામ ચાલુ રહેશે તો કૃષિ પર તેની અસર પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં જળસંકટ ઊભું થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE