જેતલસર: જેતલસર જંકશન પરથી લોકો લોબી ખસેડવા અને 72 કર્મચારીઓની બદલીના નિર્ણય સામે ગ્રામજનોના વિરોધ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા અલ્ટીમેટમ પૂર્ણ થતાં જ જેતલસર પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે બેઠક યોજી હાલની સ્થિતિની સમીક્ષા કરી અને રેલવે તંત્રને પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા અંતિમ ચેતવણી આપી હતી.
ધારાસભ્યએ જણાવ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સતત સંપર્કમાં છે. તેમના જણાવ્યા મુજબ સ્ટાફની બદલી રોકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કેટલાક આદેશો પણ બહાર પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.
અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ આંદોલન કેમ શરૂ ન થયું તે અંગે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે શનિવાર અને રવિવારની સરકારી રજાઓને કારણે સત્તાવાર પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે. તેમણે કહ્યું કે પ્રશ્નનો ઉકેલ સંવાદથી આવે તે માટે રેલવે તંત્રને વધુ બે-ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ ચેતવણી આપતાં જણાવ્યું કે જો રજાઓ બાદ પણ કર્મચારીઓની બદલી રદ કરવા અંગે સ્પષ્ટ નિર્ણય નહીં લેવાય અથવા પ્રક્રિયા ખેંચવામાં આવશે તો તેઓ પોતે ગ્રામજનો સાથે આંદોલનનું નેતૃત્વ કરશે.
હાલ રેલવે બચાવ સમિતિ અને સ્થાનિક આગેવાનો પણ સતત પ્રયાસ કરી રહ્યા છે કે જેતલસર જંકશનનું મહત્વ યથાવત રહે અને લોકો લોબી ખસેડવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે. હવે સૌની નજર રેલવે તંત્રના આગામી નિર્ણય પર છે.











