નવી દિલ્હી: દેશમાં વજન ઘટાડવાની દવાઓના વધતા ઉપયોગ વચ્ચે નકલી દવાઓના વેચાણ પર અંકુશ લાવવા કેન્દ્ર સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ ખાસ કરીને Semaglutide અને અન્ય GLP-1 શ્રેણીની દવાઓના પેકિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
નવા નિયમો મુજબ દવાઓના ડબ્બા, સ્ટ્રીપ અને લેબલ તૈયાર કરતા તમામ ઉત્પાદકો માટે સરકારના પોર્ટલ પર પેકેજિંગ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. ઉપરાંત દરેક પેકિંગ પર યુનિક રજિસ્ટ્રેશન નંબર છાપવો જરૂરી રહેશે, જેથી દવાના પેકિંગને સરળતાથી ટ્રેક કરી શકાય અને નકલી દવાઓની તાત્કાલિક ઓળખ થઈ શકે.
અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન અસલી જેવા જ પેકિંગનો ઉપયોગ કરીને નકલી દવાઓ વેચાતી હોવાના કિસ્સા સામે આવ્યા હતા. નવા નિયમોથી પેકિંગ ક્યાં તૈયાર થયું અને કોના દ્વારા બનાવાયું તેની માહિતી પણ સરળતાથી મેળવી શકાશે.
સરકારે GLP-1, Schedule H અને Schedule H1 શ્રેણીની દવાઓ માટે વધુ કડક નિયંત્રણો પણ લાગુ કર્યા છે. હવે આ દવાઓ માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે, જ્યારે વજન ઘટાડવાની દવાઓ અંગેની સીધી કે આડકતરી ભ્રામક જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે વજન ઘટાડવાના ઝડપી ઉપાય તરીકે આવી દવાઓનો બિનજરૂરી ઉપયોગ ગંભીર આડઅસરો સર્જી શકે છે. નવા નિયમોથી દર્દીઓની સુરક્ષા વધશે અને નકલી દવાઓના ગેરકાયદેસર વેપાર પર અસરકારક અંકુશ આવશે.











