ફતેપુરા: યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને સમાજમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાના હેતુથી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ‘ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો, સરપંચો, વેપારીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી નશામુક્ત સમાજના સંકલ્પને સમર્થન આપ્યું હતું.
કાર્યક્રમમાં સામાજિક કાર્યકર મેહુલ તાવિયાડે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડ્રગ્સનું વ્યસન માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી યુવાનોને નશાથી દૂર રાખવા માટે સમાજના દરેક વર્ગે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે.
ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એ. જાડેજા સહિતના પોલીસ અધિકારીઓએ ડ્રગ્સના સેવનથી થતા આરોગ્ય, આર્થિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ અથવા સેવન અંગે કોઈપણ માહિતી મળે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા અપીલ કરી હતી. અધિકારીઓએ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પણ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન પોલીસ અને પ્રજાના સહયોગથી ફતેપુરા વિસ્તારને ડ્રગ્સમુક્ત બનાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઉપસ્થિત સરપંચો, વેપારીઓ અને સામાજિક આગેવાનોએ પણ પોતાના વિસ્તારોમાં નશા વિરોધી જાગૃતિ અભિયાનને વધુ મજબૂત બનાવવા અને પોલીસને જરૂરી સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
સ્થાનિક લોકોએ પોલીસ તંત્રની આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં સકારાત્મક સંદેશ પહોંચશે અને સમાજને નશાના દૂષણથી બચાવવામાં મહત્વની મદદ મળશે.











