બોટાદ: દેશના વડાપ્રધાનના “એક પેડ મા કે નામ” અભિયાનથી પ્રેરાઈને જાણીતા સમાજસેવક અને તબીબ ડૉ. જીગ્નેશ એમ. હડિયલ તથા તેમના પરિવારે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. પરિવારના પૂજ્ય માતૃશ્રી હીરાબાના નિધન બાદ યોજાયેલી ઉત્તરક્રિયા દરમિયાન તેમની સ્મૃતિમાં વિધિવત રીતે વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું.
પરંપરાગત ધાર્મિક વિધિઓની સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ અનોખા પ્રયોગે ઉપસ્થિત મહેમાનો અને સમાજના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરિવાર દ્વારા વૃક્ષારોપણને માત્ર શ્રદ્ધાંજલિ પૂરતું મર્યાદિત ન રાખી તેને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડૉ. જીગ્નેશ હડિયલે જણાવ્યું હતું કે માતાની સ્મૃતિને ચિરંજીવ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ સારા કાર્ય દ્વારા સમાજને પ્રેરણા આપવાનો છે. તેમણે દરેક નાગરિકને જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ આવનારી પેઢીઓના ભવિષ્યનું પણ રક્ષણ કરે છે. તેથી વૃક્ષારોપણને સામાજિક જવાબદારી તરીકે સ્વીકારવાની જરૂર છે.
ઉત્તરક્રિયામાં ઉપસ્થિત મહેમાનો, સગાસંબંધીઓ અને આગેવાનોએ હડિયલ પરિવારની આ પહેલને બિરદાવી હતી. સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને પરંપરાગત પ્રસંગોને સકારાત્મક સંદેશ સાથે જોડવાનો આ પ્રયાસ અન્ય પરિવારો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.











