સુખસર: ગુજરાત સરકારના શિક્ષણ પ્રોત્સાહન અભિયાન અંતર્ગત માધ્યમિક શાળા નિદંકાપૂર્વ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને શૈક્ષણિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાયઝન અધિકારી તથા સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શાળામાં પ્રવેશ અપાયો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ કરીને શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
મહેમાનોએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. ખાસ કરીને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના કેમ્પસમાં આનંદમય અને શૈક્ષણિક માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક સરપંચશ્રીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











