અમદાવાદ: ગુજરાતમાં લાંબી રાહ બાદ હવે ચોમાસાના આગમનના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિઓ તેજ બનતા હવામાન વિભાગે સાત જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત રહ્યા હતા. ડાંગ અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં સૌથી વધુ 68 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં 54 મીલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાંથી મોટાભાગનો વરસાદ માત્ર બે કલાકમાં જ વરસ્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં 37 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે કોટડા સાંગાણી, ઉકાઈ, કાવંત અને રાણપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મુંબઈમાં ચોમાસાના પ્રવેશ બાદ હવે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરે તેવી શક્યતા મજબૂત બની છે.
રાજ્યમાં અત્યાર સુધી વરસાદની નોંધપાત્ર ખાધ જોવા મળી રહી હતી, જેના કારણે ખેતી અને જળસંગ્રહ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી હતી. જોકે તાજેતરના વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને ખરીફ પાકની વાવણી માટે આશા જાગી છે.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.











