દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ લીમખેડા–લીમડી સ્ટેટ હાઇવે છેલ્લા ઘણા મહિનાઓથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. થાળા સિંચાઈ ગામથી મુનાવાણી (ચોકી) ગામના સીમાડા સુધીનો માર્ગ મોટા ખાડા, ખાબોચિયા અને ઝાડી-ઝાંખરાથી ઘેરાઈ જતાં અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ કાલીયારાઈ, કરમાદી, જામરી, વડાપીપળા, કેળકુવા અને માતાના પલ્લા સહિતના અનેક ગામોને જોડતી મુખ્ય કડી છે. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સરકારી હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવા માટે હજારો લોકો દરરોજ આ માર્ગનો ઉપયોગ કરે છે.
રસ્તાની ખરાબ હાલતના કારણે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક અગ્રણી નિરંજન પરમાર અને સામાજિક કાર્યકર શંકર ડામોરે માર્ગના સમારકામ મુદ્દે સરકાર અને સંબંધિત તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોના આંતરિક માર્ગોની અવગણના થવાને કારણે સામાન્ય લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ગ્રામજનોએ તાત્કાલિક પેચવર્ક અને કાયમી સમારકામની માંગણી કરી છે. તેઓનું કહેવું છે કે જો વહેલી તકે રસ્તાની મરામત શરૂ નહીં કરવામાં આવે તો લોકઆંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે રસ્તાની બિસ્માર હાલતને કારણે જો કોઈ અકસ્માત સર્જાશે અથવા જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. હાલ ગ્રામજનો તાત્કાલિક કાર્યવાહી અને કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.











